ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ (રીપીટર,ખાનગી, અને પૃથ્થક ઉમેદવારો માટે) અને ધોરણ-૧૨ની પરીક્ષા તા-૦૧/૦૭/૨૦૨૧ થી તા-૧૬/૦૭/૨૦૨૧ દરમ્યાન લેવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ આ સાથે સામેલ છે. આ અંગે ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિધાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી છે.



આ પહેલા ધોરણ 1થી 9 અને 11ને માસ પ્રમોશન આપ્યું હતું
એટલું જ નહિ, ધોરણ 1 થી 9 અને ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય
હવે, મુખ્યમંત્રી રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-10 એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-10 (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.
રિપિટરની પરીક્ષા અંગે બાદમાં નિર્ણય
શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-10 (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-10માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.