‘શૂન્ય’નું સ્મરણ: ઇ-બુક| ‘shunya’nu smaran E-book by sspbk

‘શૂન્ય’નું સ્મરણ: ઇ-બુક| ‘shunya’nu smaran E-book by sspbk (તરહી ગઝલોનું સંપાદાન)

દિલમાં શૂન્યની યાદનો રાજ્યાભિષેક છે.

શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠા વૉટ્સ એપ ગૃપમાં કવિ શ્રી પરબતકુમાર નાયી ‘દર્દ’ એક સંદેશો મૂકે છે. ‘દોસ્તો આપણા આદરણીય અને ગુજરાતી ગઝલના સોનેરી શિખર ‘શૂન્ય’ પાલનપુરી સાહેબની જન્મ જયંતી ૧૯ ડિસેમ્બરે છે. ગૃપના દરેક સભ્ય એ દિવસે ‘શૂન્ય’ સાહેબની ઓછામાં ઓછી એક રચના મૂકે.’ આ સંદેશો જોઈને મારા મનમાં વિચાર આવ્યો કે આ અવસરે ‘શૂન્ય’ સાહેબની ગઝલના મિસરા પર તરહી ગઝલ-પાદપૂર્તિ કરીએ તો કેવું? બસ આ વિચારને પરબતકુમાર નાયી’દર્દ’ને અંગત સંદેશા રુપે મૂક્યો અને એમણે મારા આ વિચારને વધાવી પાદપૂર્તિ માટે શૂન્ય સાહેબની ગઝલોના મિસરા અને પાદપૂર્તિ માટેના નિયમો ગૃપમાં મૂકયા.આ વિચારને ગૃપના સભ્યોએ પણ ઉષ્માસભર આવકાર આપ્યો. એના પરિપાકરૂપે ‘ શૂન્ય’નું સ્મરણ નામે ઈ-પુસ્તક, જે પાલનપુરી ગઝલ ઘરાનાના અગ્રીમ શાયર ‘શૂન્ય’સાહેબને શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠાના બનાસી કવિઓની એક વિનમ્ર સ્મરણાંજંલિ છે.’

‘શૂન્ય’નું સ્મરણ: ઇ-બુક

શૂન્ય’નું સ્મરણ એ પુસ્તકમાં શૂન્ય સાહેબની જાણીતી ગઝલો ના મિસરા પર 15 તરહી રચનાઓ 13 કવિઓ તરફથી પ્રાપ્ત થઈ છે.આ રચનાઓને કોઈપણ માપદંડના ચોકઠાંમાં બેસાડવાનો પ્રયત્ન કર્યા વગર ‘શૂન્ય’ સાહેબ તરફના આદરને કારણે તેમના વારસ એવા બનાસી કવિઓના હ્દયમાં સ્ફૂરેલી ભાવાંજલિ ગણીને પુસ્તકમાં સ્થાન આપ્યું છે. શૂન્ય કહે છે તેમ

એક મયખાનું ચાલે છે, આલમ મહીં

ચંદ્ર પણ જામ છે, સૂર્ય પણ જામ છે;

દ્રષ્ટિ વાળા ફક્ત પી શકે છે અહીં

ખાસ મહેફિલ છે પણ દાવતે- આમ છે.

શૂન્ય પાલનપુરી

આમ આ ઈ- પુસ્તકમાં કુલ 13 શાયરોની તરહી રચનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તેકી પૈ ‘પ્રેમમાં અવનવું કરી લેશું’ એ મિસરા પર પાંચ, ‘નજર મેળવીશું ને ખોવાઈ જાશું’આ મિસરા પર છ અને ‘ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી’ આ મિસરા પર ચાર રચનાઓ પ્રાપ્ત થાય છે. ‘પ્રેમમાં અવનવું કરી લેશું’મિસરા પર તરહી ગઝલ રચતાં કવિશ્રી ‘મંથન’ડીસાકર પ્રણય પંથેથી પાછાં હટવામાં માનતાં નથી.પ્રણયના કઠિન પંથ પર ચાલતાં પગમાં છાલા પડી જાય તો પણ તેઓ એ જ રસ્તે ફરી ફરી ચાલવાની વાત કરે છે.

પગમાં છાલા પડે ભલે પડતાં,

એ જ રસ્તો ફરી ફરી લેશું

મંથન ડીસાકર

તો કવિશ્રી શરદ ત્રિવેદી આ જ મિસરા પર રચના આપતા શબ્દોને શ્વાસમાં ભરી, જિંદગીને ગઝલ બનાવવાની મથામણ કરતાં જણાય છે.

એ પછી જિંદગી ગઝલ થાશે

શબ્દને શ્વાસમાં ભરી લેશું

શરદ ત્રિવેદી

તો કવિશ્રી ‘અંશ’ ખિંમતવી હળવા મિજાજમાં આ જ મિસરા પર તેમની રચનામાં જણાવે છે.

ખાસ એક વાત એ કહેવી છે,

હાકહે તો ફેરા ફરી લઈશું

-‘અંશ ખિંમતવી

તો કવિશ્રી ઈશ્વર ચૌહાણ તારલા થઈ ખરી જવાની વાત કરે છે.

પ્રેમમાં અવનવું કરી લેશું

તારલા થઇ પછી ખરી લેશું

ઈશ્વર ચૌહાણ

તો કવિશ્રી ડૉ.અલ્પેશકુમાર વાળંદ પ્રિયતમાને પામીને ઘર બાંધવા માંગે છે.

પામવા ઈચ્છું તને હંમેશા હું

ને ઘર આગવું કરી લેશું

ડૉ.અલ્પેશકુમાર વાળંદ

‘નજર મેળવીશું ખોવાઈ જાશું’ શૂન્ય સાહેબની આ બહુચર્ચિત ગઝલના મિસરા પર કવિ શ્રી રૂડાભાઈ બોચિયા સાહિત્યના કેટલાક પ્રકારો લુપ્ત થવા અંગે વેદના વ્યક્ત કરી, પોતે પણ ડાયનોસોરની જેમ લુપ્ત થવાની વાત વેધક રીતે રજૂ કરે છે.

થતાં લુપ્ત સાહિત્યના પણ પ્રકારો

બની ડાયનાસોર લોપાઈ જાશું

રૂડાભાઈ બોચિયા

તો કવિશ્રી અનવર જુનેજા પ્રલયથી ડરતાં નથી,મોતથી ટકરાવાની વાત કરે છે.

પ્રલયથી ડરી જિંદગી કેમ છોડું?

અગર મોત આવે તો ટકરાઈ જાશું

અનવર જૂનેજા

કવિ ની’મુરા પ્રેમને જ ખુદા-ઈશ્વર ગણે છે.તેથી જ તો કહે છે.

સજા પ્રેમમાં મોતનીયે મળે તો,

ખુદાને ધરીશું ને ખોવાઈ જાશું

નીમુરા

તો ‘શિવમ્’ વાવેચીને લોકવંચનાનો ડર લાગે છે.તે પોતાના પ્રિયજનને પ્રેમ માટે જીદ ન કરવા વિનંતી કંઈક આ રીતે કરતાં જણાય છે.

તમે જીદ કરો ના તમારા થવાની,

બધી બાજુએથી વગોવાઈ જાશું.

શિવમ વાવેચી

તો ઘનશ્યામ પંડ્યા પૌરાણિક કથાનો હવાલો આપી પ્રિયપાત્રથી અલગ કરવાની કોશિશ કરનાર જમાનાને પડકારે છે.

અલગ પાડવાની કરે કોઈ કોશિષ!

જરાસંધની જેમ જોડાઈ જાશું.

ઘનશ્યામ પંડ્યા

‘ખુદા ખાતર લડી લેવા દો નૌકાને હવાઓથી’મિસરા પર પોતાની ગઝલ રચનામાં સતત નિષ્ફળતાઓ છતાં મુશ્કેલીઓ સામે હિંમત ન હારવાની વાત કવિશ્રી ઈશ્વર ચૌધરી ‘ઉડાન’ કંઈક આ રીતે રજૂ કરે છે.

હજી પણ સ્વાદ ચાખી ના શક્યો કોઈ સફળતાનો,

છતાં ક્યારેય પણ હાર્યો ના હિંમત આપદાઓથી

ઈશ્વર ચૌધરીઉડાન

કવિશ્રી સુરેશ’શ્વાસ’ બેહદ ચાહવા છતાં પ્રિયપાત્રની ઉપેક્ષાથી નારાજ છે.તેઓ હવે પ્રિયજનની અદાઓ પર પ્રાણ ન્યોછાવર કરવા નથી માંગતાં.

હું રોજ રોજ ચાહું એ ભલે નફરત કરે તો પણ

મરીને પણ હવે કેટલું મરવું એની અદાઓથી

સુરેશશ્વાસ

તો જેમની બળુકી કલમની નોંધ ગુજરાતના નામી ગઝલકારો અને માતબર સામાયિક લે છે તે કવિશ્રી પરબત કુમાર નાયી ‘દર્દ’ શૂન્ય સાહેબની અદાથી જ તબીબોને આઘા ખસી જવાનું જણાવે છે. સાથે સાથે મક્તાના શેરમાં ‘દર્દ’ તખલ્લુસને આબાદ રીતે વણી લે છે.

તબીબો મહેરબાની છે તમે આઘા ખસી જાઓ

પિછાણું દર્દહું મારું,પરિચય છે દવાઓથી

પરબતકુમાર નાયી દર્દ

‘શૂન્ય’નું સ્મરણ ઇ-બુક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

આમ,અહીં બનાસી કવિઓએ ‘શૂન્ય’ સાહેબની ગઝલોના મિસરા પર પોતીકાં શબ્દો દ્વારા એક સ્મરણાજંલિ આપવાનો સતુત્ય પ્રયાસ કર્યો છે. ઈશ્વર પોતાના ભક્તની ભાવનાને જુએ છે.એ ભક્તના ગુણદોષમાં પડતો નથી. એ જ રીતે ‘શૂન્ય’ સાહેબ પણ પોતાના ભાવકો- ચાહકો-વારસો એવા બનાસી શાયરોની સ્મરણાંજલિ ચોક્કસપણે સ્વીકારશે એમાં બે મત નથી.’શૂન્ય’ સાહેબ લખે છે તેમ

પ્રેમની પાછળ ફના થાનારની,

અન્યથા સાચી કબર મળશે નહીં;

શૂન્યના અવશેષ જોવા હોય તો,

શોધજો કોપ્રેમીના અંતર મહીં!

શૂન્ય પાલનપુરી

-‘શૂન્ય’પાલનપુરી ‘શૂન્ય’સાહેબના પ્રેમી એવા બનાસી શાયરોમાં ‘શૂન્ય’ના અવશેષ જોવા મળે છે,એવા સંતોષ સાથે શૂન્ય સાહેબની જન્મ-જયંતીથી શરુ થયેલી આ સફર ઈ- પુસ્તક રુપે’શૂન્ય’ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે શૂન્યના ચાહકો-ભાવકો સમક્ષ મૂકતાં ‘શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠા આનંદની લાગણી અનુભવે છે.શબ્દ સાધના પરિવાર વતીઆપનો સૌનોશરદ ત્રિવેદીતારીખ:17/03/2021

‘શૂન્ય’નું સ્મરણ ઇ-બુક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *